ભરૂચ પોલીસે દહેજ રોડ પર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દહેજ ટોલ પ્લાઝા નજીક શંકાસ્પદ પિકઅપનો ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને પોલીસે રૂપિયા 6.35 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દહેજ રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બોલેરો પિકઅપને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે વાહનની ગતિ વધારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે તાત્કાલિક તેનો પીછો શરૂ કર્યો. પીછા દરમિયાન ચાલકે વાહનને રસ્તા પરથી ઉતારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કાબૂ ગુમાવતા વાહન રસ્તાની બાજુએ અટકી ગયું હતું. આ તકનો લાભ લઈ ચાલક અંધારાનો ફાયદો ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા 6,35,853 હોવાનું સામે આવ્યું છે. પિકઅપ વાન સહિત કુલ રૂપિયા 11,35,853નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

