જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો હતો. આ કેસમાં ફરાર બે આરોપીઓને રાજકોટ રેન્જ ટીમે બાતમીના આધારે પકડી પાડ્યા છે.

રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયે ગુના આચરી ફરાર થયેલા આરોપીઓને પકડવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના PI અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન. મોરી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી.
PSI સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. ટીમે મોટાકાલાવડ ગામ પાસે આવેલા ચાર પાટિયા પાસેથી બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા.

પકડાયેલા આરોપીઓના નામ દિલીપ સાજણભાઈ વારોતરિયા અને અનિલ માલદેભાઈ કનારા છે. બંને મોટાકાલાવડ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકાના રહેવાસી છે. તેમને ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

