સિહોર નજીક આવેલા વળાવડ ખાતે લોકસેવા સંસ્થા સંચાલિત કન્યા વિદ્યાલયમાં “રજત સપ્તતિ મંગળ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ પૂજ્ય મોરારીબાપુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં પૂજ્ય મહામંડલેશ્વર કણીરામબાપુ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાની પ્રેરણાથી વિદ્યાર્થીની પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવી હતી.
સમારંભના અધ્યક્ષસ્થાનેથી મોરારીબાપુએ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, વિનોબાજીના મતે શિક્ષણ સંસ્થામાં યોગ, ઉદ્યોગ અને સહયોગ આવશ્યક છે, જે આ સંસ્થામાં સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે મેહુરભાઈ લવતુકાના માર્ગદર્શન હેઠળની કેળવણી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો મોરારીબાપુએ કન્યા કેળવણીના સંદર્ભમાં દીકરી કે માતૃશક્તિમાં કીર્તિ, શ્રી, વાગ્, સ્મૃતિ જેવી સાત વિભૂતિઓ રહેલી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે સંસ્થામાં વ્યવસ્થા, આસ્થા અને અવસ્થા એ મૂલ્યો છે, અને આ સંસ્થા ઉત્તરોત્તર વિકસે તેવી શુભભાવના વ્યક્ત કરી હતી.

આ સમારોહના ઉદ્ઘાટક પૂજ્ય મહામંડલેશ્વર કણીરામબાપુએ સમાજમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો, જે આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાના યોગદાન પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીનીઓને તેમની કારકિર્દી તથા જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.
સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાએ પ્રારંભિક સ્વાગત ઉદ્બોધનમાં સંસ્થાની સ્થાપના અને દીકરીને તુલસી ક્યારો ગણાવી હતી. તેમણે સતત શિક્ષણ સાથે વિવિધ કૌશલ્યોમાં મળતા ઉજ્જવળ પરિણામો પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સંસ્થા સ્થાપનામાં રહેલા સ્વર્ગીય ભૂધરદાદાનું પણ સ્મરણ કર્યું હતું.

