રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના આદેશ બાદ જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઈમ સ્ટોનનું વહન કરતા ત્રણ ડમ્પર ઝડપાયા છે. પોલીસે કુલ ₹75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ અંતર્ગત, રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા અને સ્ટાફના સભ્યો ખનીજ માફિયાઓ પર નજર રાખી રહ્યા હતા.
પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા અને સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ તથા ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોજાબેડી ગામ તરફના રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી.
વોચ દરમિયાન, પોલીસે રસ્તા પરથી પસાર થતા ત્રણ શંકાસ્પદ ડમ્પરોને અટકાવ્યા હતા. તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર લાઈમ સ્ટોન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ડમ્પરો અને ત્રણ ડ્રાઇવરોની અટકાયત કરી હતી.
ઝડપાયેલા ડ્રાઇવરોમાં ભોજાબેડીના આસીફ હબીબ સમા (ડમ્પર GJ 10 AT 6623, 23.15 મેટ્રિક ટન ખનીજ, કિંમત ₹25 લાખ), લલોઇના વલીમામદ નુરમામદ (ડમ્પર GJ 10 AT 6624, 25.12 મેટ્રિક ટન ખનીજ, કિંમત ₹25 લાખ) અને જામજોધપુરના સબીર મામદ સમા (ડમ્પર GJ 10 AT 6625, 22.99 મેટ્રિક ટન ખનીજ, કિંમત ₹25 લાખ) નો સમાવેશ થાય છે.

