બી. એમ. પટેલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ (વાંકિયા) ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ટ્રસ્ટી નર્મદાબેન વિરમગામાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગુંજ્યું હતું અને શિસ્તબદ્ધ પરેડનું આયોજન કરાયું હતું. આ પરેડમાં સંસ્થાની પ્રથમ ગર્લ્સ યુનિટ દ્વારા રજૂ કરાયેલી પરેડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ રંગબેરંગી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત, પ્રજાસત્તાક દિનનું મહત્વ, દેશપ્રેમ અને બંધારણના મૂલ્યોને ઉજાગર કરતા પ્રેરણાદાયી વક્તવ્યો પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટીઓ પ્રાગજીભાઈ કાનાણી, દિનેશભાઈ વિરમગારા, કિરીટભાઈ વિરમગામા, નર્મદાબેન વિરમગામા, ગોવિંદભાઈ દેલવાડીયા, અમિતભાઈ ગામી, મૌલિકભાઈ દેલવાડીયા, દયાળજીભાઈ ભીમાણી, શાંતિભાઈ ભીમાણી, જિજ્ઞેશભાઈ રાણિપા અને હિતેશભાઈ લિંબાસીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રજાસત્તાક દિનનું મહત્વ, ભારતીય સંસ્કૃતિનું જતન, સૈનિકોનું શૌર્ય, બંધારણનું મૂલ્ય, દેશ પ્રત્યેની નાગરિક જવાબદારી અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.

માનદ ટ્રસ્ટીઓ અને સમગ્ર શિક્ષકમંડળ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને મીઠાઈનું વિતરણ કરાયું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.

