રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સિંઘ (IAS)એ સુરત જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી. તેઓ ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના એમ.ડી. પણ છે. તેમણે નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ સમીક્ષા કરી હતી.
સુરત જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં, જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખાસ રોલ ઓબ્ઝર્વરને સુરત જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જનજાતિ સમુદાય, આદિમજૂથ સમુદાય, સ્થળાંતરિત શ્રમિકો, ઔદ્યોગિક વસાહતમાં રહેતા શ્રમિકો અને ડિમોલિશનને કારણે સ્થળાંતરિત થયેલા મતદારો સહિત દરેક મતદાર સુધી આ ઝુંબેશની માહિતી બુથ લેવલ ઓફિસર મારફત પહોંચાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે ઇન્યુમરેશન ફોર્મની વહેંચણી, પરત મેળવેલા ફોર્મ, નોટિસ બજવણી અને દૈનિક સુનાવણી અંગે પણ જાણકારી આપી હતી.
રોલ ઓબ્ઝર્વર સુશ્રી ઐશ્વર્યા સિંઘે કામગીરી દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય તરફથી મળતી માર્ગદર્શક સૂચનાઓને ધ્યાનમાં રાખીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત, સુશ્રી ઐશ્વર્યા સિંઘે ‘નો મેપિંગ’ (NO mapping) તથા નામ અને ઉંમરમાં વિસંગતતા ધરાવતી શ્રેણીના મતદારો દ્વારા રજૂ કરાતા પુરાવા અને તેના વેરિફિકેશનની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. તેમણે ASD (ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદી અને ‘નો મેપિંગ’ શ્રેણીના મતદારોને નોટિસ બજાવ્યા બાદ થતી સુનાવણી દરમિયાન ઊભી થતી સમસ્યાઓનો ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓ મુજબ યોગ્ય ઉકેલ લાવવા માર્ગદર્શન આપ્યું હતું.

