Gujarat

શાતિર મહિલા સેકન્ડોમાં સોનાની વીંટીઓ લઈ બગસરાની પધરાવી દેતી

અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી એની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી હતી. ભૂતકાળમાં 7 ગુનામાં સંડોવાયેલી આ મહિલાએ હાલ અમદાવાદમાં વધુ 5 ચોરીની કબૂલાત કરી છે.

મહિલા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક રાખતી અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ જ્વેલર્સ-શોપમાં શાતિર મહિલા પ્રવીણાએ ચોરી કરીને હાહાકાર મચાવી દીધો હતો. પ્રવીણા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો સ્ટોક કરીને રાખતી હતી.

જ્યારે પણ તે જ્વેલર્સ શોપમાં ચોરી કરવા માટે જાય ત્યારે બગસરાની વીંટી સાથે લઈને જતી હતી. સેલ્સમેન વીંટી બતાવે ત્યારે પ્રવીણા નજર ચૂકવીને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને સોનાની વીંટી લઈ લેતી હતી. એ બાદ વીંટી પસંદ નથી આવી એવું કહીને પ્રવીણા જતી રહેતી હતી. જ્યારે શોપમાલિક કે કર્મચારીઓને ખબર પડે ત્યાં સુધીમાં પ્રવીણા દૂર નીકળી જતી હતી.

પોલીસે બાતમી આધારે મહિલાને નરોડાથી ઝડપી પાડી એે દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે જ્વેલર્સની શોપમાંથી સોનાની વીંટીની ચોરી કરનાર એક મહિલા જાંબલી કલરનો ડ્રેસ પહેરીને નરોડા સ્મશાનની પાછળના ભાગે ઊભી છે.

બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ પ્રવીણા સેનવા અને તે હાલ વડોદરા ખાતે આવેલા ઔડાના મકાનમાં રહેતી હોવાનું ખૂલ્યું હતું. તે મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આંબલિયાળા ગામની રહેવાસી છે.

પોલીસ મહિલાની પૂછપરછ કરતાં તેણે પાંચ મહિના પહેલાં વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સોનાની વીંટીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રવીણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી હતી.