માંડવી નગરપાલિકાએ ચોમાસા પૂર્વે જ પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રનો હેતુ ચોમાસામાં લોકોને હાલાકી ન પડે તેવો હતો, પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ગટર લાઈન નાખ્યા પછી રસ્તા પર સીસી રોડ બનાવવાનું તંત્ર ભૂલી જતાં, હાલ પ્રથમ વરસાદે જ સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માંડવીના ધોબણી નાકાથી સુથાર ફળિયા તરફ જતો મુખ્ય માર્ગ તેમજ દશેરા પીપળી ફળિયામાં પરિસ્થિતિ અત્યંત બિસ્માર છે. ગટર લાઈનના ખોદકામ બાદ માત્ર માટી પૂરીને સંતોષ માની લેવાતા, વરસાદી પાણી ભરાતા આખો રસ્તો ચીકણી માટી અને કાદવમાં ફેરવાયો છે. આ કાદવ-કીચડના કારણે ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ફસાયા હતા. વાહનચાલકોને વાહનો ધક્કો મારીને બહાર કાઢવાની નોબત આવી હતી.
માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ રાહદારીઓ અને ખાસ કરીને નાના બાળકો તેમજ વૃદ્ધોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. અવારનવાર વાહનો સ્લિપ થવાના અને લોકો લપસી પડવાના બનાવો બની રહ્યા છે.

