શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજની માંગ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. મહિલાના આક્ષેપ મુજબ, પ્રેમલગ્ન બાદ પતિના અન્ય યુવતી સાથેના સંબંધોને કારણે તેનું દાંપત્યજીવન નરક સમાન બની ગયું હતું. એટલું જ નહીં સાસરિયાઓએ મહિલાને દબાણ કરી ગર્ભપાત પણ કરાવ્યો આક્ષેપ કર્યો છે.
યુવક-યુવતીએ કોર્ટ મેરેજ બાદ પરિવારની સંમતિથી લગ્ન કર્યાં વર્ષ 2015માં એક સામાજિક પ્રસંગ દરમિયાન યુવતી અને યુવકની મુલાકાત થઈ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બાદમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ પરિવારજનોની સંમતિથી ધામધૂમથી લગ્ન યોજાયા હતા. યુવતી કરિયાવર સાથે સાસરે રહેવા ગઈ હતી, પરંતુ લગ્નના બીજા જ દિવસથી સાસુએ મેણાટોણા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પતિના અન્ય યુવતી સાથે સંબંધનો ખુલાસો મહિલાએ આક્ષેપ કર્યો છે કે લગ્નજીવન દરમિયાન પતિના નિધી રાણા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પતિ અને યુવતી બહારગામ ફરવા ગયા હોવા ઉપરાંત એક જ રૂમમાં રોકાયા હોવાના પુરાવા અને ફોટોગ્રાફ્સ પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પતિ બીજી યુવતી સાથે લગ્ન કરવાની તૈયારીમાં હોવાનું પણ સામે આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
બીજી વખત ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ ફરિયાદ મુજબ, નિધી રાણા નામની યુવતી પણ મહિલાને ફોન કરીને છૂટાછેડા આપવા દબાણ કરતી હતી અને ‘મારે નીલ સાથે લગ્ન કરવાના છે, તું તેને છોડી દે’ તેવી ધમકી આપતી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મહિલાને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો. મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે બીજી વખત ગર્ભવતી બન્યા બાદ સાસરીયાઓએ દબાણ કરીને તેનો ગર્ભપાત કરાવ્યો હતો.

