સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે રાષ્ટ્રીય સલામતી માર્ગ 2026 અભિયાન અંતર્ગત કામરેજમાં બાઈક સવારો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બાઈક સવારોને સેફ્ટી ગાર્ડ અને ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પહેલ કામરેજ DYSP આર. આર. સરવૈયાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેમની સાથે પીઆઈ એ.ડી. ચાવડા અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આઈ.એ. સિસોદિયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ કામરેજ ચારરસ્તા જંકશન પર યોજાયો હતો.

આગામી 14 જાન્યુઆરીએ ઉજવાનાર ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બાઈક સવારોને સેફ્ટી ગાર્ડ ફીટ કરી અને બેલ્ટ પહેરાવીને સુરક્ષિત તથા સલામત રીતે વાહન ચલાવવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કામરેજ DYSP આર. આર. સરવૈયાએ આ પહેલના મહત્વ વિશે માહિતી આપી હતી અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

