Gujarat

બગદાણાનો વિવાદ ઉગ્ર, કોળી સમાજના ૪ યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર જાહેરમાં બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાેકે, આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે ચારેય યુવાનોની અટકાયત કરી હતી. યુવકનો આત્મવિલોપન કરવાની કોશિશ કરતો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. ?

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આજરોજ (૧૫ જાન્યુઆરી) ચાર યુવાનો એકાએક એકઠા થયા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ યુવાનો પોતાની સાથે જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતાં. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક કોઈ ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ?

આ યુવકો બગદાણા ધામ ગેઇટ બહાર “નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો” ના નારા લગાવ્યા હતા. કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણીને પગલે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાને પગલે બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં બગદાણામાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણમાં ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે.

આ અંગે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરે જણાવ્યું કે, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા, ત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. કોટલાક આગેવાનોની પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે ધરપકડ કરવામાં આવી તો અમુક લોકોની આગલા દિવસે ધરપકડ કરવામાં આવી. ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે, તમે આટલી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો આ કેસમાં સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? ? આજરોજ અમે કીધું હતું કે, બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના બે સભ્યએ સ્થળ પર જઈને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર મામલો આ પ્રકારે હતો જેમા, બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ ૧ જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે, હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતા મેં મારા ચાર પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતા તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાયવર્ટ કરી રહી છે. મારી માગ છે કે, આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ તેની તપાસ કરે.