નારોલ ટ્રાન્સપોર્ટનગરમાં મજૂરી કામ કરતા અર્જુનનાથ શ્રવણનાથ સાથે લૂંટ અને મારપીટની ઘટના સામે આવી છે. ગત 28 જુલાઈએ રાત્રે ગાડી ખાલી કર્યા બાદ અર્જુનનાથ ઊભો હતો ત્યારે તેમની સાથે કામ કરતો અરૂણ નામનો શખ્સ તેમને ગોડાઉન પર આવેલી રૂમમાં નાસ્તો કરવાના બહાને લઈ ગયો હતો. ત્યાં અરૂણે તેને નશીલું પીણું પીવડાવી, પાઈપથી ફટકારી તેની પાસે રહેલા રૂ. 900 લૂંટી લીધા હતા.
ભાગવા જતાં રોકીને માર માર્યો ત્યારબાદ અરૂણે ગોડાઉન માલિક રાકેશ જૈનને ફોન કરીને બોલાવ્યો હતો. અર્જુનનાથ જીવ બચાવીને નીચે ભાગ્યા ત્યારે કમલેશ અને કદમ નામના શખ્સોએ તેને રોકીને માર માર્યો હતો. બાદમાં રાકેશ જૈન સહિત તમામ 6 શખસે મળીને અર્જુનનાથને લોખંડની પાઇપ અને સળિયાથી ઢોર માર મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો.
શાકભાજીની લારી પાસે મૂકીને ફરાર, 6 સામે ગુનો હુમલાખોરો ઈજાગ્રસ્ત અર્જુનનાથને તેની પત્નીની શાકભાજીની લારી પાસે મૂકીને ભાગી ગયા હતા. પત્નીએ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. આ મામલે અર્જુનનાથે નારોલ પોલીસ સ્ટેશનમાં અરૂણ, રામજી, કમલેશ, કદમ, રાકેશ અને તેના મહેમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

