Gujarat

ઇન્ટર્નશીપ બાદ નોકરી આપવાના બહાને ફિનટેકના વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ઇન્ટર્નશિપ અને નોકરીના બહાને રૂ. 60,000ની છેતરપિંડી આચરાઈ છે. ડિપોઝિટ અને પગારની લાલચ આપી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી રાણીપમાં રહેતો અને ફિનટેક કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો યશ પરમાર અને તેના મિત્રો અભ્યાસના ભાગરૂપે ફરજિયાત ઇન્ટર્નશિપ શોધી રહ્યા હતા.

આ દરમિયાન તેમનો સંપર્ક મેહુલ લાલા નામના વ્યક્તિ સાથે થયો હતો. મેહુલે પોતાની કંપની હોવાનું કહી ઇન્ટર્નશિપ માટે પ્રતિ વિદ્યાર્થી રૂ.10,000 ડિપોઝિટ પેટે મંગાવ્યા હતા. સાથે જ કોર્સ પૂરો થયા બાદ ડિપોઝિટ પરત કરવાની અને મહિને રૂ.15,000નો પગાર આપવાની ખાતરી આપી હતી, જેથી વિદ્યાર્થીઓએ નાણાં ભરીને ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હતી.

તપાસ કરતા કંપની બોગસ નીકળી ઇન્ટર્નશિપ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓએ પોતાના પગાર અને ડિપોઝિટના નાણાં માંગતા મેહુલે બહાના બતાવવાના શરૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ સ્થળ પર જઈને તપાસ કરતાં માલૂમ પડ્યું કે તેણે દર્શાવેલી કંપની બોગસ હતી. ત્યારબાદ મેહુલે નાણાં ચૂકવવા માટે આપેલા ચેક પણ બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવાને કારણે બાઉન્સ થયા હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડતાં વિદ્યાર્થીઓએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં મેહુલ લાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.