સુરતના સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલા ‘ભાગ્યોદય થેપલા હાઉસ‘ના માલિકે ૨૭ વર્ષીય યુવતીને છેલ્લા દોઢ વર્ષથી દુકાનમાં બંધક બનાવી રાખ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘વુમન ઈમ્પાવરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ‘ની સતર્કતા અને પોલીસની દરમિયાનગીરી બાદ યુવતીને મુક્ત કરાવી તેનો બાકી પગાર અપાવવામાં આવ્યો હતો, જાેકે પોલીસ તપાસમાં યુવતી પોતાની મરજીથી ત્યાં રહેતી હોવાનો ખુલાસો થયો છે.
ઘટનાની વિગત અને અત્યાચારની આશંકા
સરથાણા સીમાડાની સંગના સોસાયટી પાસે આવેલી ‘ભાગ્યોદય થેપલા હાઉસ‘ દુકાનના માલિક સંજયભાઈએ યુવતીને છેલ્લા ૧૮ મહિનાથી પોતાના શિકંજામાં રાખી હતી. મળતી માહિતી મુજબ, યુવતી પાસે સવારે ૪ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી અમાનવીય રીતે કામ કરાવવામાં આવતું હતું. ત્યારબાદ રાત્રે કામ પૂરું થયા બાદ દુકાનને બહારથી તાળું મારી જતો રહેતો હતો, જેના કારણે યુવતી માટે દુકાનની ચાર દીવાલો જ જેલ બની ગઈ હતી. આ સમયગાળા દરમિયાન તેને કોઈ પણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવ્યો નહોતો.
યુવતીનું રેસ્ક્યુ કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો
‘વુમન ઈમ્પાવરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ‘ના પ્રમુખ ચેતનાબેન સાવલીયાને આ અંગે બાતમી મળતા તેમણે સતત ૧૫ દિવસ સુધી દુકાન પર વોચ રાખી હતી. હકીકતની ખાતરી થયા બાદ, તેમણે પોલીસની મદદથી દુકાન પર તપાસ હાથ ધરી યુવતીને મુક્ત કરાવી હતી. લાંબા સમયની કેદને કારણે યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી. સંસ્થાએ દબાણ લાવી માલિક પાસેથી યુવતીનો દોઢ વર્ષનો બાકી પગાર અપાવ્યો હતો અને તેને તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
યુવતી પોતાની મરજીથી ત્યાં રહેતી હતી: પી.આઈ
આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.એસ. કોરાટે જણાવ્યું હતું કે, માલિક અને યુવતી બંનેને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતી પોતાની પાસે મોબાઈલ રાખતી હતી અને તે પોતાની મરજીથી ત્યાં રહેતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, તે તેના પરિવારના સંપર્કમાં પણ હતી અને તેની સાથે કોઈ પણ પ્રકારની જાેર-જબરજસ્તી કરવામાં આવી નહોતી.

