શહેરના વાસણામાં મધરાતે બહેનની સામે ભાઇની ઘાતકી હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. દોઢ વર્ષ અગાઉ આરોપીના ભાઇની લાશ મળી હતી. જે હાલના મૃતકે કરી હોવાનું માનીને આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભાઇના મોતની શંકાનો બદલો લેનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
બહેનની નજર સામે ભાઈને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતાર્યો વાસણા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં રહેતો 25 વર્ષીય હિતેશ મેઘવાલ 23 માર્ચની રાત્રે બે વાગ્યા આસપાસ ઘરની બહાર સૂતો હતો, ત્યારે હિતેશને અજાણ્યો વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર માર મારતો હોવાથી હિતેશની બહેન જ્યોતિ જાગી ગઇ હતી. જ્યોતિએ જાગીને જોયું તો પાતળા બાંધાનો લાંબો શખસ ટોપી પહેરીને આવ્યો હતો અને તે હિતેશને માર મારીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતો હતો. જ્યોતિએ પ્રતિકાર કરતા જ શખસ ત્યાંથી ભાગી ગયો હતો. વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઇને ક્રાઇમ બ્રાંચે પણ તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકી રંગવાલની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને 28 વર્ષીય વિનોદ ઉર્ફે વિકી રંગવાલની ધરપકડ કરી છે. આરોપીને વી.એસ. હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી ઝડપી લઇ પૂછપરછ કરતા અનેક માહિતી સામે આવી છે.
જેમાં સામે આવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા આરોપી વિનોદના ભાઈ શ્રવણની ચંદ્રનગર બ્રિજ નીચેથી લાશ મળી હતી. જેથી વિનોદને શંકા હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશનો જ હાથ છે. આજ શંકા અને બદલાની આગમાં વિનોદે હિતેશને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું અને મોકો શોધીને હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

