ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ મચ્છરજન્ય રોગોના સંભવિત ફેલાવાને રોકવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલથી સમગ્ર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો દ્વિતીય રાઉન્ડ શરૂ કરવામાં આવશે. 10 જુલાઈ સુધી ચાલનાર આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 2.05 લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જોખમી રોગોના શંકાસ્પદ દર્દીઓને શોધી કાઢવામાં આવશે.
આરોગ્ય વિભાગની ટીમો 2 લાખ ઘરોની મુલાકાત લેશે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આવતીકાલથી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો દ્વિતીય રાઉન્ડ શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 2.05 લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓનું સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. તંત્રના આયોજન મુજબ જો મેલેરિયાનો કોઈ કેસ મળી આવશે તો તેને સ્થળ પર જ દર્દીને સંપૂર્ણ સારવાર અપાશે. જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના લક્ષણો ધરાવતા દર્દીઓને ત્વરિત વધુ સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવશે.
મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધી જડમૂળથી નાશ કરાશે આ મહાઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય રહેણાંક વિસ્તારોમાં અને તેની આસપાસ મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોને શોધીને તેનો જડમૂળથી નાશ કરવાનો છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરોની અંદર તેમજ બહાર ભરાઈ રહેતા પાણીની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને મચ્છરોના પોરા નાશ કરવાની કામગીરી હાથ ધરાશે.
50 ઘરોમાં ફોગિંગની કામગીરી કરાશે આ ઉપરાંત જે વિસ્તારોમાં કાયમી ધોરણે પાણી જમા રહેતું હોય તેવા તળાવો, કુવાઓ કે અવાવરું જગ્યાઓની ચોક્કસ નોંધણી કરવામાં આવશે અને ત્યાં મચ્છરોનો ફેલાવો અટકાવવા માટે પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવશે. તકેદારીના ભાગરૂપે ડેન્ગ્યુ કે ચિકનગુનિયાના શંકાસ્પદ અથવા કન્ફર્મ કેસવાળા વિસ્તારોની આસપાસના 50 ઘરોમાં ફોગિંગ પણ કરવામાં આવશે.

