ધ્રોલની ભાગોળે રાજકોટ-જામનગર હાઇવે પર ચામુંડા હોટેલ સામે ડિવાઇડરની કટ પાસે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખની સરકારી ઇનોવા કાર અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જે ગોઝારા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પડધરીના પ્રૌઢાનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે બાઇકચાલક વૃદ્વને ગંભીર ઇજા સાથે ધ્રોલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.પોલીસે સરકારી કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.આ અકસ્માતનો ભોગ બનેલા પ્રૌઢા પતિ સાથે બાઇક પર શ્રાધ્ધ નિમિતે ભોજનઅર્થે ધ્રોલ આવતા હતા ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત નડયો હતો. રાજકોટના પડધરીમાં રહેતા ભનુભાઈ મોહનભાઈ કણજારીયા અને તેમના પત્ની દક્ષાબેન બંને શનિવારે સવારે બાઇક પર ડબલસવારીમાં ધ્રોલમાં તેમના સંબંધીના ઘરે શ્રાદ્ધ પ્રસંગે આવી રહ્યાં હતાં.
જે દરમિયાન દશેક વાગ્યાના સુમારે તેઓ રાજકોટ-જામનગર હાઇવે પર ચામુંડા હોટેલ સામે ડિવાઇડરની કટ પાસે રોડ પર પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ તરફથી આવી રહેલી ઇનોવા કારે મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી હતી.

