Gujarat

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નો 8મો યુવક મહોત્સવ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત અષ્ટમ યુવક મહોત્સવ ‘કલા ઉત્સવ 2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે વિવિધ કોલેજ અને વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ કલાયાત્રા યોજી વિવિધ ટેબ્લો દ્વારા જ્ઞાન-સંસ્કાર અને સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

વાઈસ ચાન્સેલર બંગ્લોનું ભૂમિપૂજન ત્યારબાદ મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટી ભવન કેમ્પસમાં રૂપિયા 7600 લાખના સંભવિત ખર્ચે નિર્માણાધીન માળખાકીય સવલતોમાં વધારો કરવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયો, ગેસ્ટ હાઉસ, કોમ્પ્યુટર સેન્ટર, વાઈલ્ડલાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ બિલ્ડિંગ, આર્કિયોલોજી એન્ડ હિસ્ટ્રી લેંગ્વેજીસ બિલ્ડિંગ અને વાઈસ ચાન્સેલર બંગ્લોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ ​31 સ્પર્ધાઓમાં ભાગ લીધો આ કલા મહોત્સવમાં યુનિવર્સિટીના કાર્યક્ષેત્રીય દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની 49 કોલેજોના 1010 જેટલા કલામર્મી વિદ્યાર્થીઓ સંગીત, નાટક, લલિતકલા, નૃત્ય અને સાહિત્ય વિભાગની કુલ 31 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી બન્યા છે.​

વિદ્યાર્થીઓને સંબોધતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, યુવા અવસ્થા એ માત્ર ઉંમરનો એક તબક્કો નથી, પરંતુ તે ઉત્સાહ, ઊર્જા, કલ્પનાશીલતા અને સપનાઓનો સમુદ્ર છે. શિક્ષણ આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન આપે છે, પરંતુ કલા અને સંસ્કૃતિ જીવન જીવવાની જડીબુટ્ટી પૂરી પાડે છે. તેમણે જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક પ્રકલ્પોના માળખાકીય વિકાસ માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.