જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 દિવસીય શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં કુલ 43 પ્લોટ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 35 પ્લોટ્સ માટે ઓફલાઈન અને મનોરંજનની મોટી રાઈડ્સના 8 પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કુલ 150 થી વધુ ફોર્મ ઉપડ્યા હતા, જેમાંથી 35 પ્લોટ માટે 88 ઓફલાઈન ટેન્ડર પ્રાપ્ત થયા હતા. આ ટેન્ડરો ખોલવાની કામગીરી મનપા ખાતે બપોરે 2 વાગ્યા સુધી ચાલી હતી. આ પ્રક્રિયા દરમિયાન 7 પ્લોટ માટે માત્ર 7 ટેન્ડર આવતા આશ્ચર્ય સાથે અનેક સવાલો ઉભા થયા છે.
જેમાં ચિલ્ડ્રન રાઈડ્સ માટે 8 પ્લોટ માટે 22 ટેન્ડર, રમકડા સ્ટોલ માટે 9 પ્લોટ માટે 22 ટેન્ડર, મીની રાઈડ્સ માટે 7 પ્લોટ માટે 20 ટેન્ડર, પોપકોર્ન માટે 7 પ્લોટ માટે 17 ટેન્ડર તેમજ ફુડઝોનના 7 પ્લોટ માટે માત્ર 7 ઓફલાઈન ટેન્ડર આવ્યા હતા. ઓફલાઈન ટેન્ડરોથી મનપાને નોંધપાત્ર આવક થવાની શક્યતા સેવાઈ રહી છે, જ્યારે મશીન મનોરંજનના મોટા 8 પ્લોટના ઓનલાઈન ટેન્ડર આજે શુક્રવારે સવારે ખોલવામાં આવશે. હાલ 35 પ્લોટ માટેના ખોલાયેલા ટેન્ડરોની આવક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી. આજે શુક્રવારે 8 ટેન્ડરો ખુલ્યા બાદ તમામ પ્લોટની આવક જાહેર કરવામાં આવશે.

