સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્કોડે બગોદરાના 20 તોલા સોનાની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી હમીર ઉર્ફે બોડો રમેશ હાડા (ઓડ)ને ઝડપી પાડ્યો છે. આ આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
રાજ્યમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત રેન્જ આઈ.જી. પી.વી. સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ, આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત ગ્રામ્ય એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળ અને પેરોલ ફર્લો સ્કોડના પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ ટીમો તપાસ કરી રહી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમ, મહેશ અને રાજેશને ચોક્કસ બાતમી મળી હતી કે, બગોદરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી હમીર ઉર્ફે બોડો રમેશ હાડા (ઓડ) નવાગામ પાસે દાદા ભગવાન મંદિર નજીક સર્વિસ રોડ પર ઊભો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપી હમીર ઉર્ફે બોડાની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે, તેણે તેના ભાઈ શ્રવણ ઓડ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભમાસરા ગામના એક બંધ મકાનમાંથી આશરે 20 તોલા સોનાના દાગીના, 1 કિલો ચાંદી અને રોકડ રકમની ચોરી કરી હતી. આ ગુનામાં તે લાંબા સમયથી વોન્ટેડ હતો.

