વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 33 વર્ષીય હિતેશ રોહિત નામના યુવકે એક જ દિવસમાં બીજી વખત આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. એક યુવકે સવારે પોતાના ઘરે હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પડતું મૂકતાં તે નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો હતો. આ ઘટનામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સારવાર દરમિયાન હોસ્પિટલના ચોથા માળેથી કૂદ્યો યુવકની પત્ની અને પરિજનો તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં તેની સારવાર ચાલી રહી હતી.
આ દરમિયાન યુવક અચાનક દોડીને લિફ્ટ અને દાદરા મારફતે હોસ્પિટલની ઈમારતના ચોથા માળે પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે ઝંપલાવ્યું હતું. તે નીચે ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર પડતાં ચાલકના મણકા તૂટી ગયા હતા અને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
માનસિક અસ્વસ્થતાના કારણે પગલું ભર્યાની શંકા પરિજનોના જણાવ્યા મુજબ હિતેશ પરિણિત છે, એક પુત્રીનો પિતા છે અને હાલ કોઈ કામ-ધંધો કરતો નહોતો. તે છેલ્લા બે દિવસથી માનસિક અસ્વસ્થ થઈને ‘મને ઘરમાં બે-ત્રણ જણા દેખાય છે’ તેમ કહી રહ્યો હતો. ઘરમાં કોઈ વિવાદ કે ઝઘડો થયો ન હોવા છતાં તેણે આ ખોફનાક પગલું ભર્યું હતું. એક જ દિવસમાં બે વાર આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

