Gujarat

સુરતમાં સગીરાની છેડતી મામલે ક્રેડિટ લેવાનો ખેલ થયો હોવાની આશંકા

24 એપ્રિલના રોજ અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી સગીર બાળકીની છેડતીની ઘટનાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ સંવેદનશીલ મામલામાં પોલીસની ત્વરિત કામગીરી છતાં ફાટી નીકળેલા જનઆક્રોશ પાછળ કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા દૃઢ બની છે.

ઘટનાના CCTV ફૂટેજમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કાર્યકરની હાજરી અને વોર્ડ નંબર 29ના ઉમેદવારના સાગરીતો વાઇરલ થયેલી ઓડિયો ક્લિપે સુરત પોલીસને ચોંકાવી દીધી છે. એસીપી ઝેડ. આર. દેસાઈના જણાવ્યા અનુસાર, આ માત્ર આક્રોશ નહીં પણ ક્રેડિટ લેવાની રાજનીતિ અને હિંસા ભડકાવવાનું આયોજન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

પોલીસની ત્વરિત કાર્યવાહી છતાં આટલો વિરોધ કેમ? ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, ગત 24 એપ્રિલ 2026ના રોજ અઠવા પોલીસ સ્ટેશનની હદમાં એક સગીર બાળકીની છેડતીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં પોલીસે તુરંત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની ધરપકડ કરી પંચનામું પણ કરવામાં આવ્યું હતું.

જોકે, ગુનો નોંધાયા બાદ પણ લોકોમાં જે આક્રોશ જોવા મળ્યો હતો, તે વિશે અમને પણ આશ્ચર્ય થયું હતું કે પોલીસની ત્વરિત કાર્યવાહી છતાં આટલો વિરોધ કેમ? જોકે, દીકરી સાથે જોડાયેલી આ સંવેદનશીલ બાબત હોવાથી શરૂઆતમાં અમને આ આક્રોશ સ્વાભાવિક લાગ્યો હતો.