Gujarat

શાપર-વેરાવળમાં આયુષ મેળામાં હજારો લોકોએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો

જિલ્લા આયુર્વેદ કચેરી રાજકોટ અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા શનિવારે ‘આયુષ મેળો-૨૦૨૬’ યોજાયો. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ દીપ પ્રગટાવી મેળાનો પ્રારંભ કરાવ્યો.

આ પ્રસંગે આયુષ વિભાગના નિયામક જયેશભાઈ પરમાર, જિલ્લા આયુર્વેદ અધિકારી ચુનીલાલ હાપાલિયા, એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ગઢીયા, ઉપપ્રમુખ દિલીપભાઈ ઝાલાવાડીયા, સેક્રેટરી અશ્વિનભાઈ વસાણી, કારોબારી સભ્યો, શાપરના સરપંચ જયેશભાઈ કાકડીયા અને ડૉ. પિન્ટુ પડારીયા હાજર રહ્યા.

નિઃશુલ્ક કેમ્પમાં બીપી, ડાયાબિટીસ, હાડકાંની ઘનતાની તપાસ થઈ. બાળરોગ, સ્ત્રીરોગ, ચામડી, દાંત, કાન-ગળાના રોગો માટે નિષ્ણાત ડોકટરોની સેવાઓ અપાઈ. જનરલ ઓપીડી, સુવર્ણપ્રાશન, અગ્નિકર્મ અને મર્મ ચિકિત્સા પણ ઉપલબ્ધ હતી.

દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાઈ, આરોગ્યની કાળજી, સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું. સ્થાનિકો-શ્રમિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો. ‘ટીમ આયુષ રાજકોટ’એ સેવાઓ પૂરી પાડી.