Gujarat

વડોદરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેઇન સ્નેચિંગના બે બનાવ

વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કાલાઘોડા સર્કલ પાસે ભારે ભીડનો લાભ ઉઠાવી તસ્કરોએ બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર આંચકીને ફરાર થઈ ગયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હોવા છતા 2.20 લાખ રૂપિયાના કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. સયાજીગંજ પોલીસે 2 ગુના નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ચેઇન સ્નેચિંગની બે ફરિયાદ નોંધાઈ વડોદરા શહેરના ન્યૂ સમા રોડ સ્થિત ભગવતનગર સોસાયટીમાં રહેતા જાનકીબેન પરાગભાઈ પરમારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 16 જુલાઈના રોજ સાંજે લગભગ 4 વાગ્યે તેઓ કાલાઘોડા સર્કલ પાસે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદ લેવા માટે ભીડમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન આશરે 40થી 45 વર્ષનો અજાણ્યો શખ્સ તેમના ગળામાંથી અંદાજે એક તોલા વજનની રૂ.1.10 લાખ કિંમતની સોનાની ચેન આંચકી ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

ગઠિયો 1.10 લાખનું સોનાનું મંગળસૂત્ર આંચકી ફરાર બીજા બનાવમાં સમતા-સુભાનપુરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન સુરજ મોરેએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ પણ રથયાત્રા દરમિયાન રથની આગળ દોરડું ખેંચવા જઈ રહ્યા હતા ત્યારે પિસ્તા રંગનું આખી બાંયનું શર્ટ પહેરેલો અને આશરે 40થી 45 વર્ષની ઉંમરનો મજબૂત બાંધાનો શખ્સ તેમના ગળામાંથી અંદાજે એક તોલા વજનનું રૂ.1.10 લાખ કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકી ફરાર થઈ ગયો હતો.