ગાંધીનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોમાં બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મોટા ચિલોડા અને પ્રાંતિયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં એક મહિલા એક્ટિવા ચાલક અને એક રિક્ષાચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું છે.
આ અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલની ૩૮ વર્ષીય પુત્રી મોહિનીબેન રવિવારે સવારે એક્ટિવા લઈને માણસાના રંગપુર ગામે સધીમાતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે પર મોટા ચિલોડા માહી હોસ્પિટલ પાસે કોઈ અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને જાેરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોહિનીબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પુત્રીના અકસ્માતની જાણ થતા જ પિતા મહેન્દ્રભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા વચ્ચે કપડાથી ઢાંકેલી પોતાની પુત્રીની લાશ જાેઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જ્યારે બીજી ઘટનામાં નાના ચિલોડામાં રહેતા નિવૃત્ત આર્મીમેન જશવંતસિંહ બઘેલના ૫૪ વર્ષિય નાના ભાઈ કમલેશભાઈ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.શનિવારે રાત્રે આશરે એકાદ વાગ્યાના અરસામાં કમલેશભાઈ પ્રાંતિયા ઓવરબ્રિજ પાસે જાેગણી માતાના મંદિર સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમને પૂરઝડપે ટક્કર મારતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જાેકે શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી. બાદમાં પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા ફોટો જાેઈને પરિવારે લાશની ઓળખ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક કમલેશભાઈની પત્નીનું એક વર્ષ પહેલા જ અવસાન થયું હતું. જ્યારે તેમના મોતના કારણે ત્રણ દીકરીએ પણ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ બંને અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

