Gujarat

જામનગરમાં ધારિયા સાથે દાદાગીરી કરનાર બે શખ્સો જેલ હવાલે

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે જાહેરમાં ધારિયા જેવા હથિયાર સાથે દાદાગીરી કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ એક યુવાન પાસેથી 700 રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. બે દિવસના રિમાન્ડ બાદ બંને આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે.

આ ઘટના ત્રણ દિવસ પહેલા દિગ્જામ સર્કલ વિસ્તારમાં બની હતી. જહાંગીર બાપુ અને તેના સાગરીત સબીર સંઘારે પોલીસની જનરક્ષક વિભાગની 112 નંબરની ટીમ સામે ધારિયું હાથમાં રાખીને જીભાજોડી કરી હતી. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ મામલે 112 નંબરની જનરક્ષક પોલીસ ટીમના જીપ ચાલક હીરાભાઈ ભગાભાઈ મુછાળાએ બંને શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, જહાંગીર અને સબીર સામે એક યુવાનના ખિસ્સામાંથી ૭૦૦ રૂપિયાની લૂંટ ચલાવવા બદલ પણ અલગથી ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે બંને આરોપીઓ જહાંગીર અને સબીરની અટકાયત કરી અદાલતમાં રજૂ કર્યા હતા. અદાલતે તેમને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી એક બાઈક, ધારિયું, છરી અને 700રૂપિયા રોકડા કબજે કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે દિગ્જામ સર્કલ પાસે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિમાન્ડની મુદત પૂરી થતાં બંને આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે.