વિરમગામ તાલુકાના ઉખલોડ ગામે ૨૬મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે રૂ. ૧.૯૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યોમાં રૂ. ૫૫ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ, રૂ. ૩૫ લાખના ખર્ચે ઉખલોડ ગામનો મુખ્ય આરસીસી રોડ તૈયાર કરવાનું ભૂમિપૂજન અને રૂ. ૪૫ લાખના ખર્ચે ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના નિર્માણનો સમાવેશ થાય છે.

ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ઉખલોડ ગામમાં રૂ. ૭ કરોડના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાંથી ૬૦ ટકા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમણે આને ગામના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના ગણાવી હતી.

આ ઉપરાંત, ઉખલોડ ગામના આગેવાન અને વિરમગામ તાલુકા ભાજપ મહામંત્રી વાલાભાઈ ભરવાડે તેમના માતૃશ્રી ચંપાબેન રામશીભાઈ ભરવાડના સ્મરણાર્થે ગામ તથા પ્રાથમિક શાળાનો મુખ્ય પ્રવેશદ્વાર તૈયાર કરાવ્યો હતો, જેનું પણ ધારાસભ્ય હાર્દિક પટેલ અને ગ્રામજનોની હાજરીમાં લોકાર્પણ કરાયું. રોકેટ રિદ્ધિ કંપનીના સહયોગથી રૂ. ૪૦ લાખના ખર્ચે રોકેટ રિદ્ધિ કંપનીથી ઉખલોડ ગામ સુધી લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ પણ આજથી કાર્યરત કરવામાં આવી.

