Gujarat

ઉનાનું આમોદ્રા ગામ સિંહોનું મનપસંદ સરનામું

ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વનરાજાઓના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખાસ કરીને ઉનાનું આમોદ્રા ગામ છેલ્લા ઘણા સમયથી સિંહો માટે અનુકૂળ રહેઠાણ બની ગયું હોય તેમ જણાય છે. આજે (16 જાન્યુઆરી) વહેલી સવારે આમોદ્રાની સીમમાં સિંહની ગર્જનાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

સામાન્ય રીતે શાંત વાતાવરણમાં સિંહની ડણક 3 કિમીથી વધુ દૂર સુધી સંભળાતી હોય છે. આજે વહેલી સવારે જ્યારે સિંહે ડણક દીધી, ત્યારે સ્થાનિક સિંહપ્રેમીઓ લોકેશન ટ્રેક કરીને સિંહના દર્શન કરવા પહોંચી ગયા હતા. સિંહ જ્યારે ડણક આપે છે ત્યારે તે માત્ર અવાજ નથી કરતો, પરંતુ તે વિસ્તારમાં પોતાની સત્તા અને ‘ટેરિટરી’ પણ પ્રસ્થાપિત કરતો હોય છે.

ઉના તાલુકો જંગલ વિસ્તારને અડીને આવેલો હોવાથી હવે વનરાજો જંગલ છોડીને માનવ વસાહત અને રેવન્યુ વિસ્તાર તરફ વધુ આકર્ષાયા છે. આમોદ્રા ગામમાં સિંહોએ કાયમી વસવાટ જેવી સ્થિતિ બનાવી લીધી છે. ઘણીવાર શિકારની શોધમાં સિંહો ગામની અંદર પણ આવી ચડે છે અને પાલતુ પશુઓનું મારણ કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.