Gujarat

માણસામાં કાકા-ભત્રીજાના દારૂના નેટવર્કનો પર્દાફાશ

રસોડામાં ટાઈલ્સ નીચે ૧૦ ફૂટના ગુપ્ત ખાનામાંથી ૧૦.૩૭ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ

માણસા પોલીસે શહેરના એક રહેણાંક મકાનમાં આવેલા ભોંયરામાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૧૦,૩૭,૫૮૫ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. માણસા પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મુજબ, માણસા શહેરમાં પશુ દવાખાના પાસે રહેતો જીગ્નેશ રાવળ પોતાના મકાનમાં વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ રાખીને તેનું વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે પોલીસને દરોડા દરમિયાન મકાનમાં આવેલા લોખંડના કબાટમાંથી અને ઘરની અંદર ખાસ બનાવેલા ભોંયરામાંથી વિદેશી દારૂની નાની-મોટી કાચની બોટલો તેમજ ૨૭૧૧ બિયરના કેન મળી આવ્યા હતા.

પોલીસે દારૂ-બિયરના જથ્થા ઉપરાંત ૨ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૦,૩૭,૫૮૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી રાવળ જીગ્નેશને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી સુરેશ ઉર્ફે જાેજાે રાવળ ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. માણસા પોલીસ ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી રહી છે અને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે માણસા પીઆઇ રાકેશ ડામોરે કહ્યું કે, બાતમી મળી હતી કે જીગ્નેશ રાવળ અને સુરેશ ઉર્ફે જાેજાે કચરારાવળ ભાગીદારીમાં દારૂનો વેપાર કરે છે. પોલીસે જ્યારે જીગ્નેશ રાવળના ઘરે તપાસ કરી ત્યારે રસોડામાં વાસણ મૂકવાના ફર્નિચર નીચેની ટાઈલ્સ હટાવતા ત્યાં નીચે ૧૦/૧૦ ફૂટનું એક મોટું ગુપ્ત ખાનું બનાવેલું હતું, જેમાં દારૂના બોક્સ છુપાવવામાં આવ્યા હતા.પોલીસે ઘટના સ્થળેથી જીગ્નેશ જયંતિભાઈ રાવળ (ઉ.વ. ૨૯) ની ધરપકડ કરી છે, જ્યારે તેનો ભાગીદાર અને કાકા સુરેશ ઉર્ફે જાેજાે રાવળ પોલીસને જાેઈને ફરાર થઈ ગયો હતો.