જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ ઋતુ દરમિયાન કુલ 3,36,989 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર નોંધાયું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાએ વિરામ લેતાં અને વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો વાવેતર કરેલા પાકને મોટું નુકસાન થવાની પણ ખેડૂતો દ્વારા ભીતિ સેવાઈ રહી છે.
જામનગર સહિત હાલાર ભરના ખેડૂતોનો સૌથી વધુ ઝુકાવ મગફળીના વાવેતર તરફ રહ્યો છે. કુલ 2,16,926 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે, જે તમામ પાકોમાં સર્વાધિક છે.જયારે જિલ્લામાં મગફળી બાદ બીજા ક્રમે કપાસનું વાવેતર થયું છે.
જિલ્લામાં કુલ 89,627 હેક્ટર જમીનમાં કપાસનું રોપણ કરવામાં આવ્યું છે.જિલ્લાના છ જુદા જુદા તાલુકાઓ પૈકી કાલાવડમાં સૌથી વધુ 75,552 હેકટરથી વધુ જમીનમાં વાવણી મહદઅંશે પુર્ણ થઇ છે.જયારે જામનગર તાલુકામાં 70,778 હેક્ટર, લાલપુર તાલુકામાં 59,480 હેક્ટર, જામજોધપુર તાલુકામાં 55,899 હેક્ટર, ધ્રોલ તાલુકામાં 39,652 હેક્ટર અને જોડીયા તાલુકામાં 33,341 હેક્ટરનો સમાવેશ થાય છે.

