જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા સ્કોલરશીપના મુદ્દે ડીકેવી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ABVPના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે SC/ST/EWS કેટેગરીના વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપની રકમ મળી નથી. આ વિલંબને કારણે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સંગઠને માંગ કરી હતી કે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ પ્રશ્નનો વહેલી તકે નિવેડો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ માંગણીઓ સાથે ABVPના કાર્યકરોએ ડીકેવી સર્કલ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે સ્થળ પરથી કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

