Gujarat

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થામાં પ્રમુખ અને ઉપપ્રમુખની લાંબા સમયથી અટવાયેલી વરણીનો આખરે અંત

સુમુલ ડેરીના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી, કાંતિ ભાઈ ગામીતને કમાન સોંપાઈ

સુરતની દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની લાંબા સમયથી અટવાયેલી વરણીનો આખરે અંત આવ્યો છે. સુમુલ ડેરીના પ્રમુખ તરીકે ભાજપના વરિષ્ઠ આદિવાસી નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી તથા સોનગઢના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ ગામીતની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે.

સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ભાજપના નેતાઓમાં આંતરિક ખેંચતાણ જાેવા મળી રહી હતી. બે વખત બેઠક યોજાયા બાદ પણ હોદ્દેદારોની વરણી અંગે સહમતી બની શકી નહોતી અને વરણીની પ્રક્રિયા મુલતવી રાખવી પડી હતી. જાેકે, આખરે ગણેશ વિસર્જનના દિવસે જ આ રાજકીય ખેંચતાણનો અંત આવ્યો અને સુમુલના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી.

વિધાનસભા ચૂંટણીને હવે આશરે એક વર્ષનો સમય બાકી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય સમીકરણો પણ મહત્વના બની રહ્યા છે. સુમુલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોમાં આશરે ૭૮ ટકા પશુપાલકો આદિવાસી સમાજના હોવાનું જણાવાય છે. સુમુલ જેવી મોટી સહકારી સંસ્થાની કમાન આદિવાસી નેતાને સોંપવામાં આવતા તેના રાજકીય અને સહકારી બંને રીતે મહત્વની ચર્ચા શરૂ થઈ છે.

ભાજપ દ્વારા કાંતિભાઈ ગામીત જેવા અનુભવી આદિવાસી નેતાને સુમુલના પ્રમુખપદે બેસાડવામાં આવતા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પક્ષના સંગઠન અને રાજકીય સમીકરણોને મજબૂત કરવાનો પ્રયાસ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જાેકે, આ ર્નિણયનો મુખ્ય આધાર સહકારી સંસ્થાના વહીવટ અને પશુપાલકોના હિતોને પણ માનવામાં આવે છે.

ગત ૧૭ જુલાઈના રોજ જાહેર થયેલા સુમુલ ડેરીની વ્યવસ્થાપક મંડળની ચૂંટણીના પરિણામોમાં કુલ ૧૬માંથી ૧૫ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો. ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પણ પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણીમાં આંતરિક ખેંચતાણના કારણે પ્રક્રિયા લાંબી ખેંચાઈ હતી.

૧૭ જુલાઈથી ૨૫ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રમુખની વરણી માટે બે વખત બેઠક યોજાવાની હતી, પરંતુ બંને વખત પ્રક્રિયા મુલતવી અથવા રદ કરવામાં આવી હતી. આખરે લાંબી મડાગાંઠનો અંત આવતા કાંતિભાઈ ગામીતને સુમુલ ડેરીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

સોનગઢના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા કાંતિભાઈ ગામીત દક્ષિણ ગુજરાતના જાણીતા આદિવાસી નેતાઓમાં સ્થાન ધરાવે છે. હવે તેમને સુમુલ ડેરી જેવી મહત્વપૂર્ણ સહકારી સંસ્થાની કમાન સોંપવામાં આવી છે. આ વરણીથી એક તરફ સુમુલના વહીવટી માળખામાં અનુભવી નેતૃત્વ આવ્યું છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આદિવાસી પશુપાલકો સાથે સંકળાયેલી આ સંસ્થામાં આદિવાસી નેતાને મહત્વનું સ્થાન મળ્યું છે.

સુમુલ ડેરીની સ્થાપનાની પાછળ સુરત આવેલા આણંદના વેલાસણ ગામના આશાભાઈ શંકરભાઈ પટેલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ૨૨ ઓગસ્ટ ૧૯૫૧ના રોજ સુમુલ ડેરીનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આશાભાઈ પટેલે શરૂઆતમાં માત્ર ૧૨ ભેંસ સાથે દૂધના વ્યવસાયની શરૂઆત કરી હતી અને દૂધવાળા એસોસિએશનની રચના કરી હતી. શરૂઆતમાં માત્ર ૨૪થી ૪૦ લિટર જેટલું દૂધ એકત્રિત થતું હતું અને ત્યારબાદ છ દૂધ મંડળીઓ કાર્યરત થતાં દૈનિક દૂધ સંપાદન ૨૦૦ લિટર સુધી પહોંચ્યું હતું.

સંસ્થાની શરૂઆતના સમયમાં આર્થિક સંકડામણ વચ્ચે પ્રથમ વર્ષનો નફો માત્ર રૂ. ૨,૨૦૨, ૧૨ આના અને ૩ પાઈ રહ્યો હતો. તેમ છતાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૨૬ વીઘા જમીન ખરીદવામાં આવી હતી, જ્યાં પ્લાન્ટની મશીનરી અને પશુઆહારની સુવિધા ઊભી કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો.

૩ ફેબ્રુઆરી ૧૯૬૮ના રોજ સ્વામી યોગીજી મહારાજે આ સંસ્થાને “સુમુલ” નામ આપ્યું હતું. ‘સુમુલ‘નો અર્થ “સુ-યોગ્ય મૂલ્ય” થાય છે.

સ્થાપનાથી અત્યાર સુધી સુમુલ ડેરીએ દૂધ ઉત્પાદકોના હિત અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે પોતાની વિકાસયાત્રા આગળ ધપાવી છે. સંસ્થાને સમયાંતરે મળેલા ચેરમેન અને નિયામક મંડળના નેતૃત્વ હેઠળ સુમુલે સહકારી ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

એક સમયે આશરે રૂ. ૪૦૪૫ કરોડનું વેપારી ઉઠલાવ ધરાવતી સુમુલ ડેરી આજે આશરે રૂ. ૧૦ હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી હોવાનું જણાવાય છે. દૂધ ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનીને સુમુલ ડેરીએ દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે.

હવે કાંતિભાઈ ગામીતના નેતૃત્વ હેઠળ સુમુલ ડેરીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી પ્રમુખ-ઉપપ્રમુખની વરણીની મડાગાંઠનો અંત આવતા સંસ્થાના આગામી વહીવટ અને પશુપાલકોના હિતમાં લેવાતા ર્નિણયો પર સૌની નજર રહેશે.