Gujarat

દબાણ હટાવ ઝુંબેશમાં 15 રેંકડી જપ્ત, ઓટલા તોડ્યા

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શુક્રવારે સવારે ખાદી ભંડારથી દરબારગઢ સર્કલ બાદમાં બપોરે પવનચકકીથી હર્ષદ મીલની ચાલી સુધી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં સવા ડઝનથી વધુ રેકડીંઓ ઉપરાંત વજનકાંટાઓ વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા.ત્રણ ઓટલા સહિતના દબાણ દુર કરી રોડ પર અડચણરૂપ ભંગાર,રેતી વગેરે રાખવા મુદદે સંબંધિત આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઇ હતી.

મનપાની એસ્ટેટ શાખા દ્વારા બેડી ગેઇટથી બર્ધન ચોક સુધીમાં શાકભાજી રેકડીધારકો સાથે ખરીદારોના વાહનોના પગલે સર્જાતી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની વ્યાપક ફરીયાદો વચ્ચે શુક્રવારે મનપાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટવા ઝુંબેશ અંતર્ગત રેંકડીના દબાણો દુર કરી કેટલોક માલસમાન જપ્તિમાં લેવામાં આવ્યો હતો.

જે બાદ બપોર બાછી પવનચકકીથી હર્ષદ મીલની ચાલી સુધી એસ્ટેટ શાખા દ્વારા ખાસ ઝુ઼બેશ અંતર્ગત ટ્રાફિકને અડચણરૂપ રેકડીંઓ ઉપરાંત રોડ પર ભંગાર અને રેતી વગેરેના ઢગલા નડતરરૂપ જાણતા સંબંધિતો સામે કાર્યવાહી કરી હતી.જે સાથે જુદા જુદા ત્રણ સ્થળે ઓટલા પણ એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.એસ્ટેટ શાખા દ્વારા અમુક ધંધાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

દિવસ દરમિયાન જુદા જુદા સ્થળ પરથી 15થી વધુ રેંકડીઓ ઉપરાંત વજન કાંટા, છત્રીઓ, પથારા વગેરે પણ તંત્ર દ્વારા કબજે કરવામાં આવ્યા હતા.મનપા તંત્ર દ્વારા જપ્ત કરાયેલી રેકડીંઓ વગેરે બે ટ્રેકટર મારફતે કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો.જેમાં હવે સંબંધિત સામે દંડનીય કાર્યવાહી થશે.