જામનગરમાં મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદનો અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કક્ષાના ‘સરસ મેળા-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-3 ખાતે યોજાયેલા મેળાનું જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 25 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહેલા ‘સરસ મેળા’ના ભાગરૂપે જામનગરમાં પણ આ આયોજન કરવામાં આવ્યું છે.

અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિરલ માકડીયા સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર જનતા માટે ખુલ્લા રહેનારા આ મેળામાં મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
સરસ મેળામાં મહિલાઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલી જામનગરી બાંધણી, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ઇમિટેશન જ્વેલરી, આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક વસ્તુઓ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટીરિયલ તથા ઘર સજાવટની વિવિધ ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઉપરાંત અથાણાં, પાપડ અને ખાખરા સહિતની હોમમેઇડ ફૂડ પ્રોડક્ટ્સ પણ મેળામાં ઉપલબ્ધ છે.

મહિલા સશક્તિકરણને મળશે પ્રોત્સાહન મહિલાઓના આર્થિક સશક્તિકરણ સાથે સ્થાનિક ઉત્પાદન અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતો આ મેળો મહિલા ઉદ્યોગસાહસિકોને પોતાના ઉત્પાદનો માટે મંચ પૂરો પાડી રહ્યો છે. સાથે જ સ્થાનિક સ્તરે કાર્યરત મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે નવી તકો અને પ્રેરણા મળી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના નાગરિકોને મેળાની મુલાકાત લઈ મહિલા શક્તિના કૌશલ્યને બિરદાવવા અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા અપીલ કરવામાં આવી છે.

અભિનેત્રી રિવા રાચ્છે કરી ખરીદી, મહિલાઓના કૌશલ્યને બિરદાવ્યું ગુજરાતી ફિલ્મ ‘લાલો’થી લોકપ્રિય બનેલી અભિનેત્રી રિવા રાચ્છે પણ સરસ મેળાની મુલાકાત લીધી હતી. તેમણે મહિલા ઉદ્યોગસાહસિકો, લખપતિ દીદીઓ અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લઈ ખરીદી કરી હતી. તેમણે મહિલા શક્તિ દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકળા અને ગૃહઉદ્યોગની પ્રોડક્ટ્સની પ્રશંસા કરી હતી.

