દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદોલ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹11,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટી અને દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક આયુષ જૈનની સૂચનાથી દહેગામ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સૂચનાના અનુસંધાને, સર્વેલન્સ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નાંદોલ ગામે આવેલા રૂણમુક્તેશ્વર મહાદેવ મંદિરની પાછળ ગોચરની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ ₹11,720 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દહેગામ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુના રજીસ્ટર નંબર III-11216005260824/2026 મુજબ 24/08/2026 ના રોજ ગુનો નોંધાયો છે.
પકડાયેલા આરોપીઓમાં પુનાજી અરજણજી ઠાકોર (ઉં.વ. 28), લાલાજી આતાજી ઠાકોર (ઉં.વ. 35), લાલાજી અંબાલાલ ઠાકોર (ઉં.વ. 36), રાજુજી ચંદુજી ઠાકોર (ઉં.વ. 27) અને મુંજાલ રમેશભાઈ ઠાકોર (ઉં.વ. 23) નો સમાવેશ થાય છે. આ તમામ ઇન્દીરાનગર, નાંદોલ ગામ, તા. દહેગામ, જી. ગાંધીનગરના રહેવાસી છે.

