અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ચાલકને અચાનક એટેક આવતા મીની બસ રસ્તાની બાજુમાં આવેલી ખોડિયાર હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં મીની બસના ચાલકનું મોત નીપજ્યું છે, જ્યારે બસમાં સવાર અમદાવાદનો ચૌહાણ પરિવાર અને હોટલમાં હાજર લોકોનો બચાવ થયો હતો. ચૌહાણ પરિવાર મીની બસમાં ભાવનગર અને સાળંગપુર દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ધંધુકા નજીક ચાલકને એટેક આવતા તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા ચાલકનું મોત નીપજ્યું સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ મીની બસ સીધી ખોડિયાર રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ મીની બસના ચાલક વિજય ઠાકોરને તાત્કાલિક સારવાર માટે ધંધુકાની સરકારી હોસ્પિટલ (SDH) ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં બસમાં સવાર ચૌહાણ પરિવારના સભ્યો તેમજ હોટલમાં હાજર કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. બનાવની જાણ થતાં ધંધુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

