Gujarat

પાટણમાં ભાઈબીજે કાળભૈરવ મંદિરે ભીડ

પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા પૌરાણિક કાળભૈરવ મંદિરે ભાઈબીજ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. આ પવિત્ર પ્રસંગે કાળભૈરવ દાદાની પ્રતિમાને આકર્ષક આર્ટિફિશિયલ ફૂલોની આંગી કરવામાં આવી હતી. ભાઈબીજના પર્વને અનુલક્ષીને વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને પૂજન અર્ચે મંદિર ખાતે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

રોશનીથી સજાવાયું પૌરાણિક મંદિર પરિસર ભાઈબીજ ઉત્સવના ભાગરૂપે કાળભૈરવ દાદાની પ્રતિમાને વિવિધ રંગબેરંગી કૃત્રિમ ફૂલોથી શણગારવામાં આવી હતી. આ શણગાર ઉપરાંત સમગ્ર મંદિર પરિસરને સુંદર અને આકર્ષક રંગબેરંગી લાઈટોની રોશનીથી સજાવવામાં આવ્યું હતું. મંદિરે દર્શનાર્થે પહોંચેલા ભક્તોએ કાળભૈરવ દાદાના આકર્ષક રૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પૂજા-અર્ચના કરીને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

સાંજે પરિસરમાં યોજાશે પરંપરાગત લોકમેળો આ પર્વની ઉજવણીના ભાગરૂપે સાંજના સમયે મંદિર પરિસરમાં પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં સ્થાનિક નાગરિકો તેમજ બાળકોના મનોરંજન માટે વિવિધ પ્રકારની નાની-મોટી ચકડોળ, ઇલેક્ટ્રિક રાઇડ્સ અને રમકડાંની દુકાનો ગોઠવવામાં આવી છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ દાદાના દર્શન કરવાની સાથે મેળાની વિવિધ રાઇડ્સ અને મનોરંજનની મજા માણી શકે તે પ્રકારનું આયોજન વહીવટી મંડળ દ્વારા કરાયું છે.