પાટણના ખોખરવાડામાં ગેરકાયદે દારૂના વેચાણ અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન રહીશોની રજૂઆત બાદ ‘એ’ ડિવિઝન પોલીસે તપાસ કરી હતી. પોલીસે દારૂ વેચતા એક શખ્સને પકડીને 2 અલગ-અલગ ગુના નોંધ્યા છે.
‘માતાનો પાડો’ અને ઉદય કુમાર સ્કૂલ નજીક રહેતા લોકો લાંબા સમયથી દારૂના વેચાણ, અસામાજિક પ્રવૃત્તિઓ અને ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરી રહ્યા હતા. સ્થાનિક નાગરિક એચ. એસ. પટેલ સહિતના રહીશોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.
રહીશોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. નશામાં રહેલા લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, જેના કારણે મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને લઈને ચિંતા છે.

મહોલ્લાના નાકા પાસે શાકભાજીની લારીઓ ગોઠવાય છે અને રિક્ષાચાલકો આડેધડ વાહનો પાર્ક કરે છે. રહીશોના જણાવ્યા મુજબ, આ સ્થિતિ 6 મહિનાથી વધુ સમયથી છે અને એમ્બ્યુલન્સ જેવા કટોકટીના વાહનોને પણ રસ્તો મળતો નથી. તેમણે દારૂબંધીનો કડક અમલ કરવા અને રસ્તા પરથી દબાણો દૂર કરવાની માંગ કરી હતી.

