Gujarat

બરડામાં સતત બીજા દિવસે પ્રવાસીઓને સિંહ દેખાયા

પોરબંદરના બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં સતત બીજા દિવસે પ્રવાસીઓને ખુલ્લા જંગલમાં સિંહોનાં દર્શન થયા હતા. સફારી દરમિયાન એકસાથે 4 સિંહો જોવા મળતાં પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળી વેકેશનને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડા જંગલ સફારીની મુલાકાતે આવી રહ્યા છે.

આ દરમિયાન સફારીના રૂટ પર સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. એક દિવસ અગાઉ પણ પ્રવાસીઓએ સિંહોના મોટા જૂથને નિહાળ્યું હતું. જ્યારે આજે ફરી એકસાથે 4 સિંહો જોવા મળતાં પ્રવાસીઓએ પોતાના કેમેરા અને મોબાઇલમાં આ યાદગાર ક્ષણોને કેદ કરી હતી. બરડા અભયારણ્યમાં સતત સિંહ દર્શન થતાં પ્રવાસીઓ અને વન્યજીવપ્રેમીઓમાં સફારીનું આકર્ષણ વધી રહ્યું છે.