પોરબંદર જિલ્લાના માધવપુર ચોપાટી પર આવેલા નાસ્તાના સ્ટોલ પર દરોડો પાડીને પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 170 ચપટી બોટલો કબજે કરી છે. જપ્ત કરવામાં આવેલી દારૂની આ બોટલોની કુલ કિંમત ₹ 21,400 છે. ભાઈબીજના તહેવાર નિમિત્તે માધવપુર ચોપાટી પર પોલીસ ટીમ બંદોબસ્તમાં તૈનાત હતી તે દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે ઢોકળાના સ્ટોલ પર પોલીસે દરોડો પાડ્યો જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા અને માધવપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન લોકરક્ષક ધર્મેશ વાળાને ચોક્કસ બાતમી મળી હતી કે ચોપાટી પર આવેલા ‘જય માતાજી સ્ટીમ ઢોકળા’ના સ્ટોલ પર આશીષ ઉર્ફે લાલો મોકરીયા દારૂનું વેચાણ કરે છે, જેથી પંચોને સાથે રાખીને દરોડો પાડવામાં આવ્યો હતો.
બે સ્થાનિક આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ પોલીસે દરોડા દરમિયાન સ્ટોલમાંથી વિદેશી દારૂની 170 ચપટી બોટલો કબજે કરીને માધવપુરના પુધર વિસ્તારમાં રહેતા આશીષ ઉર્ફે લાલો મોકરીયા અને પ્લોટ વિસ્તારમાં રહેતા સતીશ વાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં માધવપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

