રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 2 ના રાજકારણમાં ભાજપના કોર્પોરેટર શૈલેષ વસાણી સામે ચૂંટણી પંચમાં સત્તાવાર રીતે ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર સલીમ કારીયાણી દ્વારા શૈલેષ વસાણીનું ચૂંટણીમાં રજૂ કરાયેલ OBC નું પ્રમાણપત્ર બોગસ હોવાના અને ઉમેદવારી ફોર્મમાં અનેક જગ્યાએ સહીઓ પણ ન કરી હોવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. તેમજ ચૂંટણીપંચ પાસેથી ન્યાય ન મળે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી છે. જેને લઈ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર સલીમભાઈ કારીયાણીએ જણાવ્યું હતું કે શૈલેષ વસાણી દ્વારા ચૂંટણીમાં જે અનામત અને નોન-ક્રિમીલેયરના દાખલા તથા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે બોગસ છે. નિયમ અનુસાર નોન-ક્રિમીલેયર પ્રમાણપત્રની વેલિડિટી માત્ર એક વર્ષની હોય છે, પરંતુ વર્ષો જૂનો અને ખોટો દાવો કરતો દાખલો રજૂ કરાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે મામલતદાર કચેરી અને લોધિકાના અધિકારીઓ સમક્ષ આરટીઆઈ (RTI) દ્વારા માહિતી મેળવતા રેકોર્ડ પર આ પ્રમાણપત્ર અમાન્ય હોવાનું અને શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું.

