Gujarat

લખતરના તલવણી ગામે કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલવણી ગામે નર્મદાની એલડી-2 માઇનોર કેનાલ ઓવરફ્લો થવાની ઘટના બની છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં 100 વીઘાથી વધુ જમીનમાં કરવામાં આવેલા શિયાળુ પાકના વાવેતરને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને હાલ સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

શિયાળુ પાકને નુકસાન અને જમીન બંજર બનવાનો ખેડૂતોનો દાવો ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં અજમો, જીરું, વરિયાળી, ઘઉં અને ચણા જેવા શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કેનાલનું પાણી ફરી વળતાં આ ઊભા પાકને નુકસાન થયું છે.

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે નર્મદા વિભાગ દ્વારા કેનાલની યોગ્ય સફાઈ અને સમારકામ કરવામાં ન આવતાં કેનાલ ઓવરફ્લો થઈ છે. આ ઉપરાંત વારંવાર પાણી ભરાવાની સમસ્યાને કારણે તલવણી ગામની 200 થી વધુ વીઘા જમીન બંજર બની હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો છે અને તંત્ર પાસે કેનાલનું તાત્કાલિક સમારકામ કરાવી પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.