Gujarat

શ્રાવણના બીજા સોમવારે ભોળેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપૂર

શ્રાવણ માસના બીજા સોમવારે જામનગરથી 30 કિલોમીટર દૂર લાલપુર તાલુકાના ગજણા ગામે આવેલા પ્રાચીન ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પગપાળા દર્શનાર્થે પહોંચ્યા હતા.

ભક્તો માટે જામનગર-ભોળેશ્વર માર્ગ પર અનેક સેવાકીય કેમ્પોનું આયોજન કરાયું છે. જામનગરથી 9 કિલોમીટર અને ભોળેશ્વરથી 15 કિલોમીટર દૂર સરદાર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ (જીઆઇડીસી) વિસ્તાર પાસે મધ્યવર્તી સ્થળે કેમ્પ યોજી યાત્રીઓને વિરામ અને સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

કેમ્પના આયોજક ભાવેશ ઉર્ફે બાદશાહભાઈ ગાગીયા (મહાદેવ હર મિત્ર મંડળ) એ જણાવ્યું હતું કે, પદયાત્રીઓ માટે ફરાળ, નાસ્તો, ચા-પાણી, ફ્રૂટ અને દેશી ઢોસા સહિત ગરમ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અગાઉ 5,000 યાત્રાળુઓ આવતા હતા, જે હવે 10,000 કે તેથી વધુ થઈ ગયા છે.

સેવાકીય કેમ્પમાં પદયાત્રીઓનું ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. સમગ્ર પંથક ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.