Gujarat

સેવા સંકલ્પ અભિયાન અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો યુવાઓ સાથે રસપ્રદ સંવાદ

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં યુવા સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પમાં યુવાઓની સક્રિય ભાગીદારીનું આહવાન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે મુક્તમને સંવાદ સાધ્યો હતો.

વિદ્યાર્થીઓએ તેમને વિકસિત ભારત-૨૦૪૭, રોજગાર, શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રમતગમત, મહિલા સશક્તિકરણ, સાયબર ક્રાઇમ, નશામુક્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિષયો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી સરળ, શહજ અને માર્ગદર્શક જવાબો આપ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જનસેવા સાધનાના ૨૩ વર્ષ પુર્ણ થવા અવસરે યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આ યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પમાં યુવાનોની સક્રિય સહભાગીતાનું આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું કે, વિકસિત ભારત માત્ર મોટા શહેરોના વિકાસથી નહીં, પરંતુ ગામડાં અને છેવાડાના માનવી સુધી વિકાસની તકો અને સરકારી યોજનાઓનો લાભ પહોંચે ત્યારે સાકાર થશે.

યુવાનોએ પોતે યોજનાઓનો લાભ લેવા સાથે પોતાની આસપાસના જરૂરિયાતમંદ લોકો અને મિત્રોને પણ યોજનાઓનો લાભ અપાવવામાં સહયોગી બનવું જાેઈએ. આજ વિકસિત ભારત-વિકસિત ગુજરાતની સાચી દિશા છે.

ધોલેરા એસઆઈઆરમાં ઊભી થનારી રોજગારીની તકો અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આવનારી ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ ટેકનિકલ કૌશલ્ય વિકસાવવું જરૂરી છે. સેમિકન્ડક્ટર સહિતની ઇન્ડસ્ટ્રીઝ માટે સરકાર કંપનીઓના સહયોગથી સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ અને ક્લાસિસનું આયોજન કરે છે. યુવાનોએ આવી તકોનો લાભ લઈ પોતાની રોજગારક્ષમતા વધારવી જાેઈએ.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અન્યો સાથે હરીફાઈ કે સરખામણીથી દૂર રહીને દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અને પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવું જાેઈએ. સફળતા ન મળે તો ફરી પ્રયાસ કરવો જાેઈએ. યોગ અને સકારાત્મક વિચારસરણી મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

કૃષિને રોજગારીનું માધ્યમ બનાવવા અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આધુનિક ખેતી પદ્ધતિ, યોગ્ય બિયારણ, ટેક્નોલોજી અને આધુનિક સાધનો અંગેનું જ્ઞાન મેળવીને યુવાનો પોતાની સાથે સમગ્ર ગામની ખેતીમાં પણ સુધારો લાવી શકે છે. માત્ર પુસ્તકીયા જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતાં મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા અને ખેત પેદાશોમાં વેલ્યુ એડિશન કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

સાયબર ક્રાઇમ અંગેના સવાલ અંગે તેમણે વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અને ઓનલાઇન ફ્રોડ અંગે જાગૃતિ વધારવા સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

રમતગમત અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં હોકી સહિતની રમતો માટે જરૂરી સુવિધાઓ વિકસાવવાના પ્રોજેક્ટ અંગે પણ સરકાર તરફથી જરૂરી સહયોગની તેમણે ખાતરી આપી હતી.

મહિલાઓની નીતિ નિર્માણમાં ભાગીદારી અંગે તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અન્ય ભાષાઓનું જ્ઞાન જરૂરી છે, પરંતુ માતૃભાષા બોલવામાં કે તેનો ઉપયોગ કરવામાં કોઈ સંકોચ ન હોવો જાેઈએ. માતૃભાષા પ્રત્યે ગૌરવ જળવાઈ રહે તે જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રીએ યુવાનો કૌશલ્ય, પોઝિટીવ થિંકીંગ, સંવેદનશીલતા અને આત્મવિશ્વાસ સાથે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપી શકે છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પ્રભારી અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ભરતભાઈ રામાનુજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.