Gujarat

સાવરકુંડલામાં ₹38.55 કરોડના STP, WTP પ્રોજેક્ટ

અમરેલી ના સાવરકુંડલા શહેરમાં ₹38.55 કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) પ્રોજેક્ટ્સનું આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ શહેરમાં ગંદા પાણીનું વૈજ્ઞાનિક શુદ્ધિકરણ અને નગરજનોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનો છે.

આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ, ગૌ સંવર્ધન, મત્સ્યપાલન વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે થશે. આ વિકાસકાર્યો સાવરકુંડલા શહેર માટે એક મોટી ભેટ સમાન છે.

શહેરમાં 7340 MLD ક્ષમતાનો ગંદા પાણીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) આશરે ₹28 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ઓપન ટેક્નોલોજી આધારિત વિકસાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત MCC પેનલ રૂમ, DG સેટ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પાઇપિંગ તથા ઇન્સ્ટ્રુમેન્ટેશનના કામો ઉપરાંત પાઇપલાઇન, સ્ટાફ ક્વાર્ટર, એપ્રોચ CC રોડ સહિતના જરૂરી કામોનો સમાવેશ થાય છે.

આ STP પ્લાન્ટ ગંદા પાણીને યોગ્ય રીતે ટ્રીટ કરીને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તેનો નિકાલ કરવામાં મદદરૂપ થશે. પરિણામે, શહેરની ગટર વ્યવસ્થા વધુ વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત બનશે, જેનાથી સ્વચ્છતા અને પર્યાવરણની દૃષ્ટિએ નોંધપાત્ર ફાયદો થશે.

આ ઉપરાંત, અમૃત 2.0 યોજના અને નળ સે જળ યોજના અંતર્ગત સાવરકુંડલા શહેર માટે પાણી પુરવઠાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આશરે ₹10.55 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. આ પ્રોજેક્ટમાં 17 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), 32 લાખ લિટર ક્ષમતાનો સંપ (Sump) તેમજ એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR) સહિતની મહત્વપૂર્ણ સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ નવી સુવિધાઓ કાર્યરત થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો વધુ સુવ્યવસ્થિત અને મજબૂત બનશે. ખાસ કરીને વધતી જતી શહેરી વસ્તીની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ સાવરકુંડલા માટે લાંબા ગાળે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.