હિમાચલ પ્રદેશ પોલીસે અકસ્માત બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં હરિપુરધાર નજીક એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા અને ૫ ઘાયલ થયા હતા.
સોલનથી હરિપુરધાર જઈ રહેલી બસ રસ્તા પરથી લગભગ ૨૦૦ ફૂટ નીચે ઉતરી ગઈ હતી અને ઉંધી પડી ગઈ હતી.
સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી અને ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો બસના કાટમાળમાંથી ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સિરમૌરના પોલીસ અધિક્ષક નિશ્ચિત નેગીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આઠ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, અને ઉમેર્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે. “બસમાં લગભગ ૩૦ થી ૩૫ મુસાફરો સવાર હતા. વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે,” તેમણે જણાવ્યું હતું.
બચાવ અને સ્થળાંતર કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી, પોલીસ અને અન્ય કટોકટી પ્રતિભાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
“ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, અને બચાવ ટીમો રાહત કામગીરી કરી રહી છે,” એસપી નેગીએ જણાવ્યું હતું.
“જિલ્લા વહીવટીતંત્ર સતર્ક છે અને દાદાહુ, સંગ્રાહ અને નાહન હોસ્પિટલની તબીબી ટીમો અને ડોકટરો કટોકટી માટે તૈયાર છે”, ઉદ્યોગ મંત્રી અને સિરમૌરના શલ્લાઈ વિધાનસભા ક્ષેત્રના સ્થાનિક ધારાસભ્ય હર્ષવર્ધન ચૌહાણે મીડિયાને જણાવ્યું.
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, એમ તેમણે જણાવ્યું હતું અને ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શુક્રવારે સિરમૌર જિલ્લાના હરિપુરધર નજીક એક ખાનગી બસ અકસ્માતમાં કિંમતી માનવ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. દુર્ઘટનાગ્રસ્ત બસ શિમલાથી રાજગઢ થઈને કુપવી જઈ રહી હતી, ત્યારે તે રસ્તા પરથી ઉતરી ગઈ અને ઊંડી ખીણમાં પડી ગઈ.
મુખ્યમંત્રીએ જિલ્લા અધિકારીઓને મૃતકોના નજીકના સંબંધીઓને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી.

