International

ઈરાન પર સાયબર એટેક, ખામેની સરકારે ગુમાવ્યો કંટ્રોલ

ઈરાનમાં થયેલા મોટા સાયબર હુમલા પછી, દેશના તમામ ટીવી સ્ક્રીનો પર અચાનક બદલાયેલી તસવીરો દેખાઈ, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો. સામાન્ય રીતે સરકારી કાર્યક્રમો અને સમાચાર ટીવી સ્ક્રીનો પર પ્રસારણ થઈ રહ્યા હતા. જ્યાં હવે વિરોધ પ્રદર્શનો, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને દેશનિકાલ કરાયેલા નેતા રેઝા પહલવીની અપીલોના ફૂટેજ હવે પ્રસારણ થઈ રહ્યા છે. આ સાયબર હુમલાએ માત્ર ઈરાનની સાયબર સુરક્ષા અંગે સવાલ ઉભા કર્યા ન હતા, પરંતુ લોકોમાં ભય પણ ફેલાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનની મોટાભાગની મુખ્ય ટીવી ચેનલો હેક કરવામાં આવી હતી. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર, પ્રદર્શનકારીઓના વીડિયો અને રેઝા પહલવીના મેસેજ થોડા સમય માટે સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા, જેના કારણે આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ઘણા લોકો માને છે કે આ કોઈ સામાન્ય ટેકનિકલ ખામી નહોતી, પરંતુ એક સુનિયોજિત સાયબર હુમલાનું પરિણામ હતું. ટીવી સ્ક્રીન પર “તાનાશાહી મુર્દાબાદ” જેવા નારા દેખાયા, જે સૂચવે છે કે આ હુમલો ફક્ત ટેકનિકલ નુકસાન માટે જ નહીં પરંતુ રાજકીય મેસેજ મોકલવા માટે પણ હતો. ઈરાનના છેલ્લા શાહના પુત્ર અને વર્ષોથી દેશનિકાલમાં રહેતા રેઝા પહલવીએ પણ કેટલીક ચેનલો પર અપીલ કરી હતી, જેનાથી સરકાર અને વહીવટીતંત્ર માટે ગંભીર સવાલ ઉભા થયા હતા.

આ હુમલા બાદ, સૌથી મોટો સવાલ એ છે કે ઈરાનની રાષ્ટ્રીય પ્રસારણ વ્યવસ્થાને આટલી સરળતાથી કેવી રીતે હેક કરવામાં આવી. નિષ્ણાતો માને છે કે આ હુમલો એક સંગઠિત અને ટેકનોલોજીની રીતે અદ્યતન જૂથ દ્વારા કરવામાં આવ્યો હોઈ શકે છે. ઈરાન વારંવાર સાયબર હુમલા માટે વિદેશી દેશો, ખાસ કરીને અમેરિકા અને ઈઝરાયલને દોષી ઠેરવે છે. એવું અનુમાન છે કે આ વખતે પણ હુમલા પાછળ બાહ્ય પરિબળોનો હાથ હોઈ શકે છે.

આ ઘટનાએ જનતામાં ડર અને ચિંતામાં વધારો કર્યો છે. ઘણા લોકો ચિંતિત છે કે જાે દેશની સૌથી મોટી પ્રસારણ ચેનલ હેક થઈ શકે છે, તો વ્યક્તિગત ડેટા અને અન્ય મહત્વપૂર્ણ સેવાઓ પણ જાેખમમાં મુકાઈ શકે છે. સોશિયલ મીડિયા પર લોકો આ હુમલાને સરકાર માટે ચેતવણી તરીકે જાેઈ રહ્યા છે. કેટલાક માને છે કે આ ઈરાનની સરકાર વિરુદ્ધ જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ હોઈ શકે છે, જેને તાજેતરના વર્ષોમાં વિરોધનો સામનો કરવો પડ્યો છે. આ સાયબર હુમલાએ ઈરાનની સુરક્ષાના અનેક મહત્વપૂર્ણ પાસાઓનો પર્દાફાશ કર્યો છે અને એ પણ સૂચવે છે કે ભવિષ્યમાં આવા હુમલાઓ વધી શકે છે, ખાસ કરીને જાે સરકાર તેની સાયબર સુરક્ષાને મજબૂત નહીં બનાવે.