અમેરિકામાં રવિવારથી શરૂ થયેલા બરફનાં તોફાને દેશભરમાં સ્થિતિ બગાડી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇમરજન્સી જાહેર કરી છે. નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર, તોફાન લગભગ 3,220 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. લગભગ 21 કરોડ એટલે કે બે-તૃતીયાંશ અમેરિકનો આ તોફાનની ચપેટમાં છે. ડેઇલી મેલ અનુસાર, ન્યૂયોર્ક સહિત દેશભરમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે.
દેશના ઘણા વિસ્તારોમાં 12 થી 20 ઇંચ સુધી બરફ પડ્યો, જેના કારણે હાઇવે બંધ થઈ ગયા, ફ્લાઇટ્સ રદ થઈ અને શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી. સોમવાર સાંજ સુધી લગભગ 7 લાખ ઘર વીજળી વિના રહ્યા. ફ્લાઇટઅવેર અનુસાર, સોમવારે દેશભરમાં 8,000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ. શુક્રવારથી અત્યાર સુધીમાં 31,000થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. જ્યારે રવિવારે 10,800થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફ્લાઇટ રદ થવા અને વિલંબની સમસ્યા ઘણા દિવસો સુધી રહી શકે છે.

