સુપ્રીમ કોર્ટે ગુરુવારે અવલોકન કર્યું હતું કે તમિલનાડુએ રાજ્યભરની શાળાઓમાં હિન્દી શીખવવા અંગેના તેના માનસ પર પુનર્વિચાર કરવો જાેઈએ અને જવાહર નવોદય વિદ્યાલયોની સ્થાપનાના વિરોધ અંગે ફરીથી વિચારવું જાેઈએ. કોર્ટે નોંધ્યું હતું કે તમિલનાડુમાં હિન્દીને સંપૂર્ણપણે બાકાત રાખી શકાય નહીં અને લોકોને દિલ્હીમાં બેઠેલા સત્તાધીશોથી અલગ ન પાડવા જાેઈએ.
ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને એ.જી. મસીહની બનેલી બે જજાેની બેન્ચે તમિલનાડુના શાળાઓમાં હિન્દી શીખવવાના વિરોધ અંગેની બાબતની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું કે આ દરિયાકાંઠાના રાજ્યે તે “માનસિકતા” બદલવી જાેઈએ કે તમિલનાડુની ધરતી પર હિન્દી શીખવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે તમિલનાડુએ ભાષાના મુદ્દે કેન્દ્ર સાથે વાતચીત કરવી જાેઈએ.
મીડિયાના અહેવાલો અનુસાર કોર્ટે કહ્યું, “અમે કહી રહ્યા છીએ કે તમે તમારા રાજ્યમાં જે સારા કાર્યો કરી રહ્યા છો તેની સાથે, વધારાની કોઈ બાબતનો સમાવેશ કરવાથી તમારા ધોરણો ઘટશે નહીં. દિલ્હીથી આવતી કોઈ બાબત ચેન્નાઈના ધોરણોને નીચા નહીં પાડે. ચેન્નાઈના લોકોએ દિલ્હીથી અલગ ન થવું જાેઈએ અને તેનાથી વિપરીત પણ નહીં.”
આ મામલો શું છે?
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટના તે નિર્દેશને પડકાર્યો હતો જેમાં રાજ્યના દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલયો સ્થાપવા માટે કહેવામાં આવ્યું હતું. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે નવોદય વિદ્યાલયો દ્વારા ‘તમિલનાડુ તમિલ લર્નિંગ એક્ટ‘નું ઉલ્લંઘન થતું નથી, ત્યારબાદ આ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જાેકે, તમિલનાડુએ આ નિર્દેશનો વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાજ્યનું માનવું હતું કે ‘દ્વિ-ભાષા નીતિ‘ નવોદય વિદ્યાલયો સાથે સુસંગત નથી અને શિક્ષણ નીતિઓ તેના અધિકારક્ષેત્રમાં આવે છે.
જાેકે, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે શિક્ષણ એ ‘સમવર્તી સૂચિ‘ નો વિષય છે અને તેમાં “સહકારી સંઘવાદ” હોવો જાેઈએ. કોર્ટે તમિલનાડુને એમ પણ કહ્યું કે નવોદય વિદ્યાલયો રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં દખલગીરી કરશે નહીં અને તેઓ તે મુજબ કામ કરવાનું ચાલુ રાખી શકે છે.
મીડિયાના અહેવાલો મુજબ કોર્ટે કહ્યું, “તમે તમારા રાજ્યમાં શિક્ષણ માટે જે સારા કાર્યો કરી રહ્યા છો તે અમે જાણીએ છીએ. અમને એ પણ ખબર છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં તમિલનાડુમાં શિક્ષણનું સ્તર ઊંચું છે. વધારાની કોઈ બાબતનો સમાવેશ કરવાથી તમારા ધોરણો ઘટશે નહીં. દિલ્હીથી આવતું શિક્ષણ ચેન્નાઈના ધોરણોને નીચા નહીં પાડે, એટલું તો અમે જાણીએ છીએ.”

