અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. તે ૯ ફેબ્રુઆરીથી ગુમ હતો. સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે રવિવારે તેની પુષ્ટિ કરી. દૂતાવાસે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સ્થાનિક પોલીસે ગુમ થયેલા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યાની પુષ્ટિ કરી છે. પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતા તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે. દૂતાવાસે એમ પણ જણાવ્યું કે તે પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવા તૈયાર છે.
આમાં સ્થાનિક પ્રશાસન સાથે સંકલન અને પાર્થિવ શરીરને ભારત મોકલવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. દૂતાવાસના અધિકારીઓ પરિવારના સીધા સંપર્કમાં છે અને તમામ ઔપચારિકતાઓમાં સહયોગ કરશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ગુમ થતા પહેલા સાકેતને બર્કલે હિલ્સ સ્થિત લેક એન્ઝા નજીક છેલ્લીવાર જાેવામાં આવ્યો હતો. તેનો બેગ એક ઘરના દરવાજા પરથી મળ્યો હતો, જેમાં પાસપોર્ટ અને લેપટોપ હતું.
સાકેત કર્ણાટકના રહેવાસી હતા. તેમના લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમણે IIT મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું હતું અને ૨૦૨૫માં ગ્રેજ્યુએટ થયા હતા. ત્યારબાદ તેઓ બર્કલેમાં કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરી રહ્યા હતા.તેમના ગુમ થયા બાદ રૂમમેટ બનીત સિંહે સોશિયલ મીડિયા પર લોકો પાસેથી માહિતી માંગી હતી. તેમણે લિંક્ડઇન પર લખ્યું હતું કે સાકેત ૯ ફેબ્રુઆરીથી ગુમ છે અને લેક એન્ઝા નજીક છેલ્લી વાર જાેવા મળ્યા હતા. તેમણે લોકોને અપીલ કરી હતી કે જાે કોઈની પાસે કોઈ માહિતી હોય તો તરત સંપર્ક કરે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોલીસ સાથે મળીને તેમની શોધ કરી રહ્યા છે અને આ તેમના માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. હાલમાં, મૃત્યુના કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

